
આર્ટ ઓફ લિવિંગ સાથે અમદાવાદ ઉજવશે બીજો વિશ્વ ધ્યાન દિવસ
સંયુક્ત રાષ્ટ્રમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીનું મુખ્ય પ્રવચન
અમદાવાદ | ૨૦ ડિસેમ્બર ૨૦૨૫
ગત વર્ષે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ૨૧ ડિસેમ્બરને “વિશ્વ ધ્યાન દિવસ” તરીકે જાહેર કર્યા બાદ, વિશ્વભરમાં આ દિવસની વાર્ષિક ઉજવણી કરવામાં આવી રહી છે. માનસિક શાંતિ, ભાવનાત્મક સંતુલન અને વૈશ્વિક એકતાનો સંદેશ આપતો આ દિવસ આ વર્ષે પણ ઉજવાશે.
આ વૈશ્વિક પહેલના ભાગરૂપે, આર્ટ ઓફ લિવિંગ અમદાવાદ ચેપ્ટર દ્વારા શહેરમાં વિશ્વ ધ્યાન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવશે. આ અવસરે અમદાવાદના નાગરિકો માટે ૨૧ ડિસેમ્બરના સાંજે નિઃશુલ્ક ધ્યાન સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે સાબરમતી રિવરફ્રન્ટ એમ્ફિથિયેટર શાહીબાગ ખાતે “કીર્તન ક્લબિંગ” અને ધ્યાનસત્રનું આયોજન કરવામાં આવ્યું છે જેનો સમય સાંજે ૭:૩૦ થી ૧૦:૩૦નો રહેશે. આ ઉપરાંત સાંજે ૮:૩૦ વાગ્યે આર્ટ ઓફ લિવિંગ જ્ઞાનક્ષેત્ર સેટેલાઈટ, આર્ટ ઓફ લિવિંગ જ્ઞાનક્ષેત્ર નરોડા તેમજ આર્ટ ઓફ લિવિંગ અમદાવાદના અન્ય ૪૧ કેન્દ્રો પર આ ધ્યાનસત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ દરમિયાન આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી વિશ્વભરના કરોડો લોકો સાથે લાઇવ ઓનલાઇન માધ્યમ દ્વારા સંયુક્ત ધ્યાન કરાવશે, જેમાં અમદાવાદના નાગરિકો પણ ભાગ લઈ શકશે. ભારતીય સમય અનુસાર રાત્રે ૮:૩૦ વાગ્યે “વર્લ્ડ મેડિટેટ્સ વીથ ગુરુદેવ” નામના આ વૈશ્વિક લાઇવસ્ટ્રીમ કાર્યક્રમ માં યુટ્યુબ મારફતે વિશ્વભરના કરોડો લોકો એકસાથે ધ્યાન કરશે.
વિશ્વ ધ્યાન દિવસના સંદર્ભમાં, ૧૯ ડિસેમ્બરના રોજ ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા ધ્યાનસત્ર યોજાયું હતું. આ કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રના વરિષ્ઠ અધિકારીઓ, વૈશ્વિક નેતાઓ, રાજદૂત તથા આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
છેલ્લા ૪૫ વર્ષથી ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ૧૮૦થી વધુ દેશોમાં ધ્યાન અને માનવ મૂલ્યોના પ્રચારમાં કાર્યરત છે. તેમના મતે, ધ્યાન માનસિક સ્પષ્ટતા, ભાવનાત્મક સ્થિરતા અને સામાજિક સંવાદિતા વિકસાવવાનું સૌથી અસરકારક સાધન છે. વૈશ્વિક શાંતિ અને સંઘર્ષ નિવારણ માટે તેમના પ્રયાસોમાં ધ્યાનની પરિવર્તનકારી શક્તિ સ્પષ્ટ રીતે જોવા મળે છે.
ભૌગોલિક રાજકીય સંઘર્ષોથી લઈને વ્યક્તિગત જીવનના પડકારો સુધી, ધ્યાન એક સર્વવ્યાપી ઉકેલરૂપે ઉભરી આવે છે. આંતરિક શાંતિ દ્વારા બાહ્ય વિશ્વમાં સમરસતા અને સહકાર સ્થાપિત કરવામાં ધ્યાન મહત્વની ભૂમિકા ભજવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પ્રથમ વિશ્વ ધ્યાન દિવસના ઉપલક્ષમાં ગુરુદેવ સાથેના લાઇવ ધ્યાન સત્રમાં વિશ્વના ૮૫ લાખથી વધુ લોકો જોડાયા હતા, જેના પરિણામે ૬થી વધુ વૈશ્વિક વિક્રમો સર્જાયા હતા.




