ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ વિશ્વના અત્યાર સુધીના સૌથી મોટા સામૂહિક ધ્યાનમાં ૧૫૦ દેશોના ૧૨.૧ લાખ લોકોનું નેતૃત્વ કર્યું; ગેલપે આર્ટ ઓફ લિવિંગના સહયોગથી સીમાચિહ્નરૂપ વૈશ્વિક સુખાકારી અભ્યાસ શરૂ કર્યો
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ વિશ્વના અત્યાર સુધીના સૌથી મોટા સામૂહિક ધ્યાનમાં ૧૫૦ દેશોના ૧૨.૧ લાખ લોકોનું નેતૃત્વ કર્યું; ગેલપે આર્ટ ઓફ લિવિંગના સહયોગથી સીમાચિહ્નરૂપ વૈશ્વિક સુખાકારી અભ્યાસ શરૂ કર્યો
૨૧ ડિસેમ્બર:
નિષ્ણાતો જેને વૈશ્વિક સુખાકારી માટે નિર્ણાયક ક્ષણ ગણાવી રહ્યા છે, તેમાં ૧૫૦ દેશોના ૧૨.૧ લાખ લોકોએ ભારતના ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના નેતૃત્વમાં ઇતિહાસના સૌથી મોટા સામૂહિક ધ્યાનમાં ભાગ લીધો. વિશ્વ ધ્યાન દિવસ પર આયોજિત આ કાર્યક્રમ વધતા તણાવ, સંઘર્ષ અને માનસિક સ્વાસ્થ્યના પડકારોના સમયે શાંતિ અને સ્થિતિસ્થાપકતા માટે વધતી જતી વૈશ્વિક શોધને પ્રતિબિંબિત કરે છે.
માનસિક સુખાકારી અને સામાજિક સંવાદિતામાં ધ્યાનની ભૂમિકાને ઉજાગર કરવા માટે ૨૦૨૪માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા વિશ્વ ધ્યાન દિવસને ઔપચારિક રીતે વાર્ષિક ઉજવણી તરીકે અપનાવવામાં આવ્યો હતો. આ વર્ષનો કાર્યક્રમ ન્યુ યોર્ક શહેરમાં સંયુક્ત રાષ્ટ્ર ટ્રસ્ટીશીપ કાઉન્સિલ ખાતે યોજાયો હતો, જ્યાં રાજદ્વારીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ગુરુદેવની આગેવાનીમાં લાઇવ ધ્યાન કરવા જોડાયા હતા. ત્યાંથી આ પ્રક્રિયા સમગ્ર ખંડોમાં ગૂંજી ઊઠી હતી- ભારતીય શહેરો અને ગામડાઓથી લઈને આફ્રિકા, યુરોપ, એશિયા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના સમુદાયો સુધી.
સમૂહ રેલીઓ અથવા ઉત્સવોથી વિપરીત, આ કાર્યક્રમની અસર સૌએ સામૂહિક રીતે દર્શાવેલ મૌન અને સ્થિરતાના પ્રમાણમાં પ્રતિબિંબિત થઈ હતી.તેમાં ૬૦થી વધુ દેશોના વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, ખેડૂતો અને જેલના કેદીઓ સહિત વિવિધ સમુદાયોએ એક સમાન ધ્યાન કર્યું હતું.
વિશ્વ ધ્યાન દિવસ પહેલા ગેલપ અને આર્ટ ઓફ લિવિંગ દ્વારા સંયુક્ત રીતે જાહેર કરાયેલ ધ્યાન અને સુખાકારી પર, આ પ્રકારના પ્રથમ અભ્યાસના લોન્ચને કારણે ધ્યાનની વૈશ્વિક ચળવળને વધુ વેગ મળ્યો. આ સહયોગ દ્વારા ગેલપ, ગેલપ વર્લ્ડ પોલમાં ધ્યાનને લક્ષીને નવા પ્રશ્નોનો સમાવેશ કરશે, જે વસ્તીમાં ભાવનાત્મક સ્વાસ્થ્ય, જીવન મૂલ્યાંકન અને સામાજિક સુખાકારી સાથે ધ્યાનનો કેવો સંબંધ છે તેનો તુલનાત્મક ડેટા-આધારિત સ્પષ્ટ અહેવાલ બનાવશે - એવો ડેટાસેટ જે આ સ્તરે પહેલાં ક્યારેય બન્યો નથી.
ગેલપના તાજેતરના સંશોધન દર્શાવે છે કે તણાવ અને ચિંતા જેવી નકારાત્મક લાગણીઓ વિશ્વભરમાં ઉચ્ચ સ્તરે રહે છે, જે માનસિક સ્વાસ્થ્ય માટે જેની અસર માપી શકાય તેવા અભિગમોની તાત્કાલિક જરૂરિયાતને દર્શાવે છે.
ભારતનો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસો ચોક્કસ આ વૈશ્વિક ચળવળના કેન્દ્રમાં હતો - ચિંતા,ક્લેશ અને સામાજિક તાણમાંથી રાહત મેળવવા માંગતા અબજો લોકો માટે તે એક વ્યવહારુ, પુરાવાઆધીન સાધન પ્રદાન કરે છે.
ગુરુદેવે સંયુક્ત રાષ્ટ્રના કાર્યક્રમમાં કહ્યું, "ધ્યાન હવે વૈભવનું સાધન નથી; તે એક આવશ્યકતા છે" - આ એક એવી ભાવના જે હવે રાજદ્વારી જૂથો અને સામાન્ય સમુદાયોમાં એક સરખી રીતે લાગુ પડે છે.
આ અભ્યાસના વૈશ્વિક પરિણામો ડિસેમ્બર 2026 માં અપેક્ષિત છે, જે વિશ્વભરમાં જાહેર નીતિ, શિક્ષણ અને કાર્યસ્થળ સુખાકારીની પહેલને આકાર આપશે.
૧૯ ડિસેમ્બરના રોજ, ભારત, શ્રીલંકા, એન્ડોરા, મેક્સિકો અને નેપાળના કાયમી પ્રતિનિધિઓ અને અન્ય સભ્ય દેશો તથા સંયુક્ત રાષ્ટ્ર સંઘની સંસ્થાઓ ધ્યાનની આ પ્રાચીન પ્રક્રિયાની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા.તેમાં વૈશ્વિક, સામાજિક, રાજકીય અને માનસિક સ્વાસ્થ્યના પડકારોનો સામનો કરવામાં ધ્યાનની સુસંગતતાની પુષ્ટિ કરવામાં આવી હતી.તે પ્રસંગે ગુરુદેવના મુખ્ય વક્તવ્ય અને માર્ગદર્શિત ધ્યાને વૈશ્વિક રાજદ્વારીઓના હૃદયમાં ભારતીય સંસ્કૃતિના વારસામાં રહેલી આ પ્રથાને સ્થાપિત કરી.