સાવન કુમાર ટાંક અનેક સફળ ફિલ્મોના નિર્માતા/નિર્દેશક હતા. તેઓએ ગીતકાર તરીકે પણ ઘણાં ઉતમ ગીતો આપેલાં છે. તેમણે જણાવ્યા મુજબ એક સમયે તેમની ઉપરા ઉપરી અનેક ફિલ્મો નિષ્ફળ ગયેલી અને તેઓ સખત નાણાં ભીડ માં હતા ત્યારે એક લો બજેટ ફિલ્મ નો પ્રોજેક્ટ તેમણે હાથ માં લીધો હતો. આ ફિલ્મ ની એક મહત્વ ની સિચ્યુએશન માટે તેઓ એક ગીત મજરુહ સુલતાનપુરી પાસે લખાવવા માંગતા હતા આથી તેમણે મજરુહ સાહેબ ના ઘરે જઇ તેમને એક ગીત લખી આપવા કહ્યું. મજરુહ સાહેબ પાકા ધંધાદારી હતા. તેમણે સાવન કુમાર ને સ્પષ્ટ શબ્દો માં કહી દીધું કે, ગીત એક હોય કે અગિયાર, એક ચોકક્સ રકમ થી ઓછા માં હું ગીત લખતો નથી. સાવન કુમારે તેમને સમજાવવા ની બહુ કોશિશ કરી કે, ફિલ્મ લો બજેટ છે અને માત્ર એક જ ગીત નો સવાલ છે પણ મજરુહ સાહેબ ટસ ના મસ ન થયા. મજરુહ સાહેબ નાં પત્નિ એ તે દરમ્યાન લંચ તૈયાર હતું તેથી સાવન કુમાર ને જમી ને જવા આગ્રહ કર્યો અને બાજુ પર લઇ જઈ સમજાવ્યા કે, જમતાં જમતાં મજરુહ સાહેબ માની જશે. આ રીતે લંચ પત્યું તો પણ મજરુહ સાહેબ પોતાની કિમત ઘટાડવા સંમત ન જ થયા. તેમનાં આવાં જક્કી વલણ થી સાવન કુમાર ને બહુ ખરાબ લાગ્યું અને તેઓ ઔપચારિકતા પતાવી મજરુહ સાહેબ ના બંગલા ની બહાર નીકળી ગયા. તે વખતે જ તેમના મનમાં એક વિચાર આવ્યો કે, “તેરી ગલીયો મેં ના રખ્ખેંગે કદમ આજ કે બાદ..” સાવન કુમાર ની અંદર નો કવિ જાગી ગયો અને આ વિચાર ઉપરથી તેમણે પોતે જ જોઇતું હતું એવું ગીત લખી નાખ્યું. મોહમ્મદ રફી ના અવાજ માં આ ગીત ફિલ્મ: “હવસ” માં ખૂબજ લોકપ્રિય થયું અને આમ અનાયાસે એક યાદગાર ગીત રચાઇ ગયું. વસંત મહેતા (વરિષ્ઠ પત્રકાર )