લગ્ન પ્રસંગે માંડવાના દિવસે રોપાતો માણેક સ્થંભ. અમદાવાદ : (વરિષ્ઠ પત્રકાર વસંત મહેતા ) લગ્નની સિઝન ચાલતી હોય ત્યારે ઘણા ઘરોમાં ઘર આંગણે માંડવો રોપવામાં આવે ત્યારે માણેક સ્થંભ ની સ્થાપના કરવામાં આવતી હોય છે. પરંતુ આજકાલ દેખાદેખી ના ફેશનના જમાનામાં માણેકસ્તંભ રોપવાનું વિસરાઈ ગયું હોય એવું જણાય છે પહેલાના જમાનામાં દીકરા કે દીકરીના લગ્નમાં માંડવાના દિવસે માણેક સ્થંભ રોપવાની પ્રથા છે અત્યારે તો બજારમાં એક નાનકડા લાકડાના ટુકડાને કાપડ લગાવી ને આપી દે છે પણ પહેલાંના સમય માં ગામના સુથાર પાસે માણેક સ્થંભ બનવા માટે આમંત્રણ આપવા જતા કે દીકરા કે દીકરીના લગ્ન છે તો માણેક સ્થંભ બનાવી રાખજો. ત્યારે માણેક સ્થંભ બનાવવા માટે ગામના સીમાડે સુથાર અને બ્રાહ્મણ સાથે એક ઢોલી હોય, ઢોલના તાલે માણેક સ્થંભનુ લાકડું લેવા જતા અને માણેક સ્થંબ ખીજડાના વૃક્ષના લાકડા માંથી બનાવવામાં આવતો. કુટુંબીજનો, બ્રાહ્મણ, સુથાર બધા વાજતે-ગાજતે ખીજડાના વૃક્ષની વિધિ કરી એને વધાવી પછી તેના લાકડાની ડાળ કાપી તે લાકડામાંથી માણેક સ્થંભ બનાવવામાં આવતો. માણેક સ્થંભ માં ચાર દિશા ને બતાવતી ચાર પાંદડી બનાવવામાં આવતી, જે માણેક સ્થંભ રોપવા સમય વિધિ કરે એટલે ચાર દિશાઓ ને બાંધવા માં આવતી જેથી લગ્ન પ્રસંગ માં કોઈ વિઘ્ન નાં આવે ઢોલના તાલે સુથાર માણેક સ્થંભ લઇને આવતો અને એને વિધિ કરી માણેક સ્થંભ રોપાય ના જાય ત્યાં સુધી એ બેસતો નહિ. સુથારને કપાળે ચાંદલો કરી માણેક સ્થંભને ચાંદલો કરી એને વધાવી પછી એને રોપવા માં આવતો અને સુથારને માણેક સ્થંભ બનાવવા માટે એમને વળતર રૂપે સવાશેર ઘઉં અને સવાશેર ગોળ આપવામાં આવતો હતો. આજના સમયમાં આ બધું વિસરાઈ ગયું છે એટલે તૈયાર માણેક સ્થંભ લાવીને વિધિ કરી લે છે. અત્યારે બધા ધર્મ સગવડિયા થઈ ગયા છે એટલે માણેક સ્થંભ પણ સગવડીઓ તૈયાર બનાવવામાં આવે છે.