જીવતા ની પ્રેરણા : મન હોય તો માળવે જવાય…. અમદાવાદ: ( વસંત મહેતા વરિષ્ઠ પત્રકાર દ્વારા ) અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં વિશ્વકર્મા કોલેજ પાસે એક 80 વર્ષીય બા ને જોઈને કોઈ એમ ના કહે કે આ ઘરડા હશે..! એમને કોઠા સૂઝને જોઈને આજે ગ્રેજ્યુએટ થયેલા યુવાનો પણ પાછા પડી જાય એવું લાગે છે. આ બા અહીંયા પુલાવ શાક પુરી કે રોટલી અને બે શાક ની ડીશ તૈયાર કરી આવનારા ગ્રાહકોને પ્રેમથી જમાડે છે. સવારે વહેલા ઉઠી બા ઘરેથી પુલાવ શાક એમ જ રોટલીનો લોટ બાંધી ડબ્બામાં ભરી ચાંદખેડા વિશ્વકર્મા કોલેજ પાસે ૧૧ વાગે આવી જાય છે અને બાર વાગ્યાથી તેમને ત્યાં ગ્રાહકો આવવાના શરૂ થઈ જાય છે. આ બા છેલ્લા પાંચ વર્ષની અહીંયા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રસ્તે અવરજવર કરનારા લોકોને જમાડી પોતાના ઘરનું ભરણપોષણ કરે છે. બા ને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષથી હું આ કાર્ય કરી રહી છું પહેલા હું શાક પુરી જમાડતી હતી અત્યારે હાલ ૮૦ રૂપિયામાં બે શાક પાંચ રોટલી અને પુલાવ જમાડું છું. જો કોઈને શાક રોટલી જોઈતા હોય તો 60 રૂપિયા થાય અને જો પુલાવ જોઈએ તો પત્ર ₹ 40 માં પુલાવની એક ડિશ આપવામાં આવે છે. અહીંયા બપોરના 12 વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી મારો આ કાર્ય ચાલતું હોય છે. વધુમાં તેમને પૂછતાં જણાવ્યું કે વિશ્વકર્મા કોલેજના 38 જેટલા વિદ્યાર્થીઓ મારા કાયમી ગ્રાહક છે. અને તેઓના કારણે જ મારા ઘરનું ગુજરાત ચાલે છે. બીજું કે ક્યારે ક કેટલાક લોકો તો એમ પણ કહે છે કે બા તમારે કંઈ પણ જરૂરિયાત હોય તો અમને કહેજો..! ભગવાનની કૃપાથી અને મારી મહેનતથી મારા પરિવારનું ગુજરાન ચાલે એટલું મને મળી જ રહે છે. બા તમે આ કામ ક્યાં સુધી કરશો? તેના જવાબમાં તેમણે કહ્યું કે જ્યાં સુધી હાથ પગ ચાલશે ત્યાં સુધી મારો આ વ્યવસાય હું ચાલુ રાખીશ. આમ ઢળતી ઉંમરે પણ પોતાના પરિવારનું પોષણ કરી રહ્યા છે. યુવાનોએ આમાંથી શીખ લેવા જેવી છે કે કોઈપણ કામ નાનું મોટું નથી બસ ફક્ત ઈમાનદારીથી કરતા રહો તો ઈશ્વર પણ તમારી સાથે જ રહેશે. અને કહેવત પણ છે ને મન હોય તો માળવે જવાય…..!!