ભરૂચના નારાયણ વિદ્યાવિહારમાં યોજાઈ ત્રીજી માતૃભાષા કાર્યશાળા
દિનાંક ૨૮ નવેમ્બરે ભરૂચ જિલ્લાની ત્રીજી કાર્યશાળા યોજાઈ ગઈ. વિશેષતા એ રહી કે ભરૂચ, વાલિયા, નેત્રંગ, અંકલેશ્વર, જંબુસર, આમોદ, ઝઘડિયા, હાંસોટ વગેરે તાલુકાઓમાંથી આ કાર્યશાળા માટે ૨૨૮ રજિસ્ટ્રેશન થયાં જે પૈકી ૧૪૮ શિક્ષકો ઉપસ્થિત રહ્યા. અત્યાર સુધી ગુજરાતમાં યોજાઈ ગયેલી કાર્યશાળાઓમાં મહત્તમ સંખ્યા આમાં રહી.
૨૫ નવેમ્બરે દુલા ભાયા કાગની જન્મજયંતી હતી. એ અનુસંધાને પ્રસિદ્ધ લોકગાયક શ્રી અભેસિંહના પૌત્ર શ્રી આદિત્યસિંહ રાઠોડે દુલા ભાયા કાગની અમર કાવ્યકૃતિ “હે જી તારા આંગણિયા પૂછીને આવે…”
એમના બુલંદ કંઠમાં પ્રસ્તુત કરી. એ પછી નારાયણ વિદ્યાવિહારની શિક્ષિકા બહેનોએ શ્રી હર્ષદભાઈ શાહ રચિત બાળગીત “છીએ અમે તો છોટાજી…” અભિનય સાથે રજૂ કર્યું.
આ કાર્યશાળામાં ન્યાસના ઉપાધ્યક્ષ શ્રી હર્ષદભાઈ શાહ, ભરૂચ જિલ્લાના શિક્ષણાધિકારી શ્રીમતી સ્વાતિબા રાઓલ અને પ્રખર ભાષાવિદ ડૉ.મીનળબહેન દવેનાં ઉદ્ભોધન થયાં.
ભરૂચની પવિત્ર ભૂમિએ સાહિત્યજગતને કનૈયાલાલ મુનશી, સુન્દરમ્ અને બ. ક. ઠાકોર જેવા મહાન સાહિત્યકારોની અણમોલ ભેટ આપી છે.
ડૉ. મીનળબહેને માત્ર ૪૦ મિનિટના એમના ઉદ્બોધનમાં કનૈયાલાલ મુનશીના જીવનકવનનો પરિચય એમની રસાળ શૈલીમાં અસ્ખલિત ભાષાપ્રવાહમાં આપ્યો. મુનશીજીના અપ્રતિમ ગુજરાતી સાહિત્યના વારસાની વાત એમણે વિસ્તારથી કરી. સાથોસાથ એમના સામાજિક અને રાજકીય પ્રદાનની અનેક ઘટનાઓથી એમણે શિક્ષકોને સમૃદ્ધ કર્યા. સરદાર વલ્લભભાઈએ એમને હૈદરાબાદને ભારતમાં વિલીન કરવા જેવું કપરું કામ સોંપ્યું હતું .જે એમણે અદ્ભુત કુનેહથી પાર પાડ્યું હતું. આવી ઘણી વાતોથી એમનું વક્તવ્ય રસસભર બની રહ્યું.
જિલ્લાના શિક્ષણાધિકારી શ્રીમતી સ્વાતિબાએ શિક્ષકોને ભાષામાં સજ્જતા કેળવવા માટે કાર્યશાળાઓમાં નિયમિત ઉપસ્થિતિ રહેવાનો અનુરોધ કર્યો.
ત્યારબાદ શ્રી હર્ષદભાઈ શાહે શિક્ષકોને જોડાક્ષર વિષય ખૂબ રસપ્રદ રીતે સમજાવ્યો અને બે અપેક્ષાઓ વ્યક્ત કરી : (૧) અંક ગુજરાતીમાં જ લખવા અને (૨) પોતાના હસ્તાક્ષર પણ ગુજરાતી લિપિમાં કરવા. આપણી ઓળખ આપણી પોતાની ભાષામાં જ અભિવ્યક્ત થવી જોઈએ. છેલ્લે આગામી કાર્યશાળાઓની માહિતી આપી એમણે પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું.
છેલ્લે આભારદર્શન પછી કાર્યશાળા સંપન્ન થઈ.
વૃત્તલેખન :
ડૉ. મહેશભાઈ ઠાકર
સંયોજક
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન
ભરૂચ




