મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ન્યૂ જર્સીના લેફ્ટનન્ટ ગવર્નર સુશ્રી તાહેશા વેએ તેમના પ્રતિનિધિ મંડળ સાથે ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી તેમજ ન્યૂ જર્સીમાં વસતા અંદાજે સવા ચાર લાખ જેટલા ભારતીય-ગુજરાતી સમુદાયોના વિવિધ ક્ષેત્રે ઉલ્લેખનીય યોગદાન બાબતે આનંદ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રી સાથેની આ બેઠક દરમિયાન ગુજરાત અને ન્યૂ જર્સી વચ્ચે થયેલા સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટને આગળ ધપાવી બંને સ્ટેટ વચ્ચેના સંબંધ વધુ સુદ્રઢ અને સંગીન બનાવવા બાબતે ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર ન્યૂ જર્સી અને ગુજરાત વચ્ચે સાંસ્કૃતિક, આર્થિક અને ઔદ્યોગિક ક્ષેત્રે આદાન-પ્રદાન વધુ સંગીન બનાવવાની નેમ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ન્યૂ જર્સીના આ ક્ષેત્રના લોકો ગુજરાત સાથે સંપર્ક સેતુ જાળવી શકે તે માટે ઇન્ડેક્ષ્ટ-બી નોડલ કોન્ટેક્ટ પોઇન્ટ તરીકે કાર્ય કરશે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતે ગ્રીન હાઈડ્રોજન, રિન્યુએબલ એનર્જી, ઓફ શૉર વિન્ડ એનર્જી, ફિનટેક અને ઇનોવેશનમાં હાંસલ કરેલ અગ્રેસરતાની વિગતો ન્યૂ જર્સીના લેફ્ટનન્ટ ગવર્નરશ્રીને આપી હતી. ન્યૂ જર્સીના લેફ્ટનન્ટ ગવર્નરશ્રીએ ગુજરાત સાથે આ બધા સેક્ટર્સમાં સહયોગ અને રોકાણોની સંભાવનાઓ અંગે ચર્ચા પરામર્શ કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રી અને ન્યૂ જર્સીના લેફ્ટનન્ટ ગવર્નરશ્રી બંનેએ પીપલ-ટુ-પીપલ કનેક્ટને વધુ સંગીન બનાવવાની તત્પરતા દર્શાવતા એરીયા ઓફ મ્યુચ્યુઅલ ઇન્ટરેસ્ટ આઈડેન્ટીફાય કરવાની હિમાયત કરી હતી.




