જી.જી. ઝડફિયા વિદ્યાલયમાં, સુરત ખાતે યોજાઈ ચોથી માતૃભાષા કાર્યશાળા:૪૭ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીઘો
દિનાંક ૨૭/૧૨/૨૦૨૪, શુક્રવારના રોજ જી. જી. ઝડફિયા વિદ્યાલય, સુરત ખાતે ૪૭ શિક્ષકોની ઉપસ્થિતિ સાથે માતૃભાષા કાર્યશાળાના પાંચમા મણકાનો પ્રારંભ બાળગીતનું ગાન (ધીમે ધીમે ધીમે ધીમે નીચે તું આવ…) સંભળાવીને કરવામાં આવ્યો હતો. (આ બાળગીતની સાભિનય પ્રસ્તુતિ ફેબ્રુઆરીમાં યોજાનારી કાર્યશાળામાં કરવા બાબતે શ્રી હર્ષદભાઈ દ્વારા સૂચના પણ આપવામાં આવી.)
આ કાર્યશાળા માટે નિર્ધારિત કરેલ તજ્જ્ઞશ્રી ડૉ. કલ્પેશભાઈ પટેલના હાજર નહિ રહી શકવા બાબતે શ્રી હર્ષદભાઈએ જણાવ્યા બાદ, શ્રી આદિત્યભાઈ ઝાલા દ્વારા અનુસ્વારની સરળ ભાષામાં સચોટ સમજ આપવામાં આવી. આ મહત્ત્વના ભાષા-અંગ અનુસ્વારના કેટલાક નિયમો; જેવા કે, સર્વનામ, વિશેષણ, કૃદંત કે વિકારી સંજ્ઞા વખતે ક્યાં અનુસ્વાર આવે અને ક્યાં ન આવે, તેની ઉદાહરણો સાથે માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને કૃદંતમાં વર્તમાન કૃદંત, ભૂત કૃદંત, ભવિષ્ય કૃદંત અને વિધ્યર્થ કૃદંતના પ્રત્યયોના અનુસંગે વિવિધ ઉદાહરણો સાથે સમજ આપવામાં આવી.
શ્રી હર્ષદભાઈ શાહ સાહેબ દ્વારા પણ તત્સમ શબ્દો તેમ જ ‘આ’કારાન્ત અને ‘આં’કારાન્ત નિયમો સરળ રીતે સમજાવી અનુસ્વાર સંદર્ભે મહત્ત્વપૂર્ણ શિક્ષણ આપવામાં આવ્યું હતું. અનુસ્વાર સંદર્ભે થતી સામાન્ય ભૂલો અન્વયે મહાવરા માટે છેલ્લે એક સ્વાધ્યાય આપીને મૂલ્યાંકન પ્રક્રિયા પણ કરવામાં આવી.
અંતમાં, આગામી ૩ જાન્યુઆરી, ૨૦૨૫ના દિવસે યોજાનાર ડૉ . રાજેન્દ્ર ચોટલિયા સાહેબ સાથેની પૂર્ણ દિવસીય કાર્યશાળા માટે કેટલાક મૂંઝવતા શબ્દોની યાદી બનાવવાની પણ કવાયત કરાવ્યા બાદ દરેક શિક્ષક પાસે એક જોડણીકોશ હોવો જોઈએ તે પણ જણાવ્યું અને દરેક પ્રતિભાગી શિક્ષકો આગામી કાર્યશાળામાં નિયમિત રીતે હાજર રહે તે માટે અનુરોધ કર્યો હતો.
વૃત્તલેખન :
કુમુદબહેન પટેલ
દીપદર્શન વિદ્યાલય
સુરત




