અમદાવાદ: (વરિષ્ઠ પત્રકાર વસંત મહેતા ). આજની નવી પેઢી સ્માર્ટ ફોનના માધ્યમથી આખો મેસેજ કરી ઘડીકમાં અહીંથી દૂર દૂર રહેતા સુધી માત્ર થોડીક જ પળોમાં મોકલી શકે છે અને સંદેશા ની આપ લે કરી શકે છે પણ આજની આ પેઢીને કદાચ ખબર નહિ હોય કે જત લખવાનું કે જત જણાવવાનું કે, આ બે શબ્દોનું મહત્વ જાણતા નથી ૧૫ પૈસાના પોસ્ટકાર્ડ કે 30 પૈસાના રિટર્ન પોસ્ટકાર્ડ કે પછી 40 પૈસાના બ્લુ રંગના અંતરદેશીએ પરબીડિયા કે લાલ અને બ્લુપટ્ટી ની બોર્ડર વાળા દરેક પત્રની શરૂઆતમાં આ બે શબ્દો લખવામાં આવતા……. જત લખવાનું કે પછી જત જણાવવાનું… કે થોડીક જ ક્ષણોમાં કે એકાદ બે મિનિટમાં મેસેજ ટાઈપ કરી સિંગલ ટીક ડબલ ટીકની આશા રાખતી આજની પેઢીને એક પોસ્ટ કાર્ડની કે લાલ રંગના ટપાલ ના ડબ્બાથી જોજો નો દૂર બીજા લાલ ડબ્બા સુધીની એક સફર કદાચ સમજી કે જાણી નહીં શકે..! દૂર દેશ કે પરદેશી આવતી ટપાલ ને પહોંચતી કરવા સાઇકલ પર આવતા ટપાલીની કાગડોળે રાહ જોતા વડીલો કોના ઘેર આજે આવ્યો કે ટપાલ આવી એની ચર્ચા ગામના પાદર પર થતી જોવા મળતી હતી. તો વળી બાળકો મે મહિનામાં રીઝલ્ટ ની રાહ જોતા બાળકો ટપાલીની સાયકલની પાછળ દોડતા એ દિવસો કેવા મધુર હતા કેટલી સરળ અને ધીમી સમયની રફતાર અને કેવી હતી એ રાહ જોવાની મીઠી પળની જાહોજલાલી…….. ટપાલીના આવવાનો સમય હોય ત્યારે ઘરની બહાર કે ડેલીની બહાર રાહ જોતા માતા પિતા પોતાના દીકરાના પોસ્ટકાર્ડની કે money ઓર્ડર ની રાહ જોતા હોય છે. (કારણ કે દીકરો શહેરમાં નોકરી કરતો હોય છે ) તેમજ કોઈ નો દીકરો આર્મીમાં હોય કે પોલીસમાં કે પછી અન્ય જગ્યાએ પણ તેની પત્ની કાગડોળે તેના પતિના કે દીકરા ના સમાચાર ની રાહ જોતા હોય છે આજે આવી રાહ જોવાના કેમ મજા કરવાના દિવસો રહ્યા નથી…. મને યાદ છે ત્યાં સુધી મોટી પોસ્ટ ઓફિસ શહેરમાં હોય ત્યાં લાલ લીલા અને પીળા એમ ત્રણ રંગની ટપાલ પેટી જોવા મળતી જેમાં લીલા રંગની ટપાલ પેટીમાં લોકલ સમાચાર પત્રો નાખવામાં આવતા જ્યારે લાલ રંગની ટપાલ પેટીમાં બહાર ગામ ના સમાચાર પત્રો નાખવામાં આવતા તો વળી વિદેશના સમાચાર માટે પીળા રંગની ટપાલ પેટી હોય જેમાં વિદેશના સમાચાર પત્રો નાખવામાં આવતા. ગામડાઓમાં કે શહેરમાં કોઈ નિયત કરેલી જગ્યાએ દાલ ટપાલ પેટીનો ડબ્બો રાખવામાં આવતો. જેમાં લોકો પોસ્ટ કાર્ડ અથવા પરબીડીયા કે અંતર દેશી પત્ર નાખતા હતા ગામડાઓમાં કે શહેરમાં નિયત સમયે ટપાલ આ ડબ્બાઓ માંથી કાઢીને શહેરની મોટી પોસ્ટ ઓફિસમાં મોકલવામાં આવતી અને ત્યાંથી પછી ટ્રેન એસટી બસ કે પછી વિમાન મારફતે જે તે જગ્યાએ જે તે શહેરમાં મોકલવામાં આવતી. ત્યારબાદ જે તે શહેરમાંથી આ ટપાલ અને શોર્ટ કરી જે તે સરનામા પર મોકલવામાં આવતી. આમ આવી ટપાલીઓ એક ગામથી બીજે ગામ જતી હતી અને ટપાલી આવવાના સમયે ગામવાસીયો તેની કાગડોળે રાહ જોતા હતા પરંતુ આજે ટેકનોલોજી ના જમાનામાં મોબાઈલ ફોન આવવા થી આવા પત્રો ભુલાઈ ગયા છે અને આજની આ પેઢીને કદાચ આ વસ્તુની ખબર પણ નહીં હોય..! હા એક વાત તો જણાવવાની રહી ગઈ કે કોઈના મરણ પ્રસંગના સમાચાર તાર મારફતે મોકલવામાં આવતા, પરંતુ ગામડામાં ઘણા લોકો ભણેલા નહીં હોવાથી આ તારને ટપાલી જ વાંચી સંભળાવતો કે પછી અન્ય કોઈ ભણેલ વ્યક્તિ હોય વાંચી સંભળાવતા ઘણી વખત કોઈ ખુશીના સમાચાર હોય તો પણ તાર મારફતે મોકલવામાં આવતા.. પરંતુ આજે તો આ બધું વિસરાઈ ગયું છે અને કેટલીક જગ્યાએ તો ટપાલની લાલ પેટીઓ પણ જોવા મળતી નથી.. મને તો આવા પોસ્ટકાર્ડ લખ્યાને વર્ષો થઈ ગયા પહેલા દર અઠવાડિયે 15 દિવસે કે મહિને સગા સંબંધીઓને બહારગામ સમાચાર ની આપ લે કરતા હતા પણ હવે તો મોબાઈલ ઉપર જ બધા મેસેજ કે સમાચાર મળતા હોય છે. જો આ લાલ ટપાલ પેટીઓ ફરીથી જીવંત થઈ જાય તો……….?