દીકરા દીકરીઓ મોટી ઉંમર થવા છતાં કુવારા કેમ રહે છે..? અમદાવાદ: (વસંત મહેતા વરિષ્ઠ પત્રકાર દ્વારા). દીકરા દીકરીઓના લગ્ન કરવા એ માતા પિતા માટે મોટી જવાબદારી હોય છે. માતા પિતા પોતાના દીકરા દીકરીઓના સુખ માટે હંમેશા વિચારતા હોય છે અને સારું પાત્ર શોધવા માટે પોતાના પ્રયત્નો કરતા હોય છે આમાં ને આમાં ઘણી વખત સમય વીતી જતો હોય છે અને પછી છેલ્લે જે પણ મળે તે નિભાવી લેવું પડતું હોય છે. સારુ પાત્ર શોધવા માટે કેટલીક વખત અનેક કારણો જવાબદાર હોય છે જેમાં ઘણી વખત દીકરા દીકરીઓના મનમેળ થતા નથી, તો ઘણી વખત કુંડળી મેચ કરતી નથી અને જો આ બધું મેચ થાય તો દીકરા દીકરીઓના મન મળતા નથી આમને આમ લગ્નની ઉંમર વીતી જતી હોય છે અને લગભગ 35 વર્ષના દીકરા દીકરીઓ થવા છતાં પણ હજુ સુધી મનમેળ થતો નથી. ઘણી વખત દીકરા દીકરીઓના લગ્ન નહીં થવા માં માતા પિતા ને મતકાંક્ષાઓ બહુ મોટો ભાગ ભજવે છે જો હજુ પણ આપણે જાગૃત નહીં થઈએ તો હાલત વધુને વધુ ખરાબ થઈ શકે છે લગ્ન વ્યવસ્થા તેમજ સમાજ તૂટી શકે છે. કેટલીક વાર બધું સારું હોવા છતાં કુંડળી મેચ થતી નથી છતાં પણ જો લગ્ન વ્યવસ્થા ગોઠવાઈ તો લાંબુ ચાલતું નથી અને લગ્નજીવન હાલકડોલક થવા માંડે છે. અને વાત છૂટાછેડા સુધીની પહોંચી જાય છે. પહેલા પરિવાર જોઈને સંબંધ બંધાતા હતા અને ત્રણ ત્રણ પેઢીઓ સંયુક્ત પરિવારમાં આરામથી જીવી જતા હતા અને ઘર પરિવાર આંગણામાં આનંદ ઉલ્લાસ ખુશીઓની રેલમચેલ જોવા મળતી હતી ક્યારેક નાની મોટી તકલીફ થતી તો વડીલો બાજી સંભાળી લેતા હતા અને ઘરની વાત ઘરમાં જ ઢંકાયેલી રહેતી. આજે આ સમય રહ્યો નથી આજની યુવા પેઢીમાં ધીરજ અને સહન શીલતાની ઉણપ જોવા મળે છે. આજના સમયમાં માતા પિતાની માંગો નું લાંબુ લીસ્ટ રજૂ કરવાનો એક પ્રયાસ કર્યો છે જેમાં કેવા કેવા સવાલો પૂછવામાં આવે છે એના ઉપર એક નજર કરીએ….. ઘર પોતાનું છે? કેટલા રૂમમાં છે? ફર્નિચર કેવું છે? ઘરઘંટી વોશિંગ મશીન છે કે નહીં? ઘરમાં કેટલી લોન ચાલે છે? ઘર ભાડાનું છે કે પોતાનું? જો ભાડાનું હોય તો ભાડું કેટલું? ઘરની આવક કેટલી? કેટલા સભ્યો કમાય છે? છોકરાનો પગાર કેટલો? જો છોકરી નોકરી કરતી હોય તો તેનો પગાર કેટલો? ઘરમાં કેટલા સભ્યો? માતા-પિતા છે કે નહીં? બેન ભાઈ કેટલા? બેન પરણેલી છે કે કુવારી? જો કુંવારી હોય તો લગ્ન કેમ નથી થતા? ભાઈ કુંવારો હોય તો લગ્ન કેમ નથી થતા? કયો ધર્મ પાળો છો? મિત્રો કેવા છે? વ્યસન છે કે નહીં? મહિનામાં કેટલી વખત હોટલમાં જાઓ છો? આવા અનેક સવાલો માતા-પિતા તરફથી પૂછવામાં આવે છે આમાં સારું નરસું કરવામાં સમય ક્યાં પસાર થઈ જાય છે એ ખબર પડતી નથી અને દીકરા કે દીકરીની ઉંમર ૩૫ સુધી પહોંચી જાય છે આમને આમ યુવા પેઢીનું સપનું રોડાઈ જતું હોય છે. અને જ્યારે સાગબાન કે લગ્ન સંબંધ બંધાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે ને પછી જે મળ્યું તે સ્વીકારી લેવું પડતું હોય છે. જેમાં ઘણી વખત મનમેળ પર થતા નથી અને છેવટે રીબાઇ રિબાઈને પસાર કરવું પડે છે..! આમ તો એવું કહેવાય છે કે માનવીનો જન્મ થાય છે ત્યારે જ વિધિ ના દરેક લેખ લખાઈ જતા હોય છે અને કુદરતે સેટ કરેલું જ હોય છે. ઘણી વખત દીકરા દીકરીઓના નસીબ નો વાંક પણ નીકળતો હોય છે. ગમે તેટલું જોશો ગમે તેટલું કરશો પણ લગ્નજીવન સમજદારી અને સહન શક્તિ પર ટકેલું છે. એટલે ધીરજ પ્રેમ અને શાંતિથી કામ લેશો તો વાંધો નહિ આવે..? બાકી નાની મોટી કચ કચ તો દરેક ઘરમાં થતી જ હોય છે અને ઘર હોય તો વાસણ ખખડે પણ ખરું..? લગ્નજીવન ટકાવવું હોય તો એકબીજાને લેટ ગો ની ભાવના રાખવી પડશે એમાં જ લગ્નજીવનની ખરી મજા છે.