“જય જય આરતી આદિ જીનંદા”આરતીની રચના કોણે કરી?
શું આજનો જૈન સમાજ આ તથ્ય જાણે છે? ભોજકોને જેઓ ન ઓળખતા હોય તેવા આજના કેટલાક જૈન સંઘો અને સમાજના શ્રેષ્ઠીઓ ભોજક સમાજની ભક્તિને ઓળખે તે માટે આ લેખ પ્રસ્તુત કર્યો છે..
જેઓ ભોજકો ની જૈન ભક્તિને ઓળખે છે તેઓ આજે પણ તેમને સન્માન આપે છે. બાકીના ને આપણે ઓળખ આપવી પડે છે.
મારા દાદા જીવણલાલ હાથીભાઈ ભોજક એ પ્રાચીન પાયધુની,મુંબઇ સ્થિત ગોડીજી પાર્શ્વનાથ જૈન દેરાસરમાં મુખ્ય પૂજારી તરીકે ૪૦ વર્ષ સેવા આપી હતી.તેઓ ૧૯૭૨ માં અવસાન પામ્યા.આ દેરાસરની ૨૦૦ મી વર્ષગાંઠે હું ખાસ અમદાવાદથી મુંબઈ ગયો હતો.તે વખતે મારે મારા દાદાની ઓળખાણ આપવી પડી હતી..કમનસીબે તત્કાલીન ટ્રસ્ટીઓ તેમના નામથી અને સેવાથી અજાણ હતા..તે સમયે એક વયોવૃદ્ધ જૈન વણિક બોલ્યા હતા કે જુના સમયે મોતીલાલ ભાઈ અને જીવણ લાલ ભોજક પૂજારી તરીકે કામ કરતા હતા.
હવે મૂળ વિષય પર આવીએ
મૂળચંદજી ભોજક એક એવા જૈન શ્રાવક હતા, જે ધુલેવાં નગર (કેસરિયાજી તીર્થ) માં રહેતા હતા. તેઓ નિત્ય રોજ, સવારે અને સાંજે ત્રણ-ત્રણ કલાક દાદા-દાદા કરતાં, બીજું કંઈ નહીં, કારણ કે લોકો માટે નહીં પણ શ્રી આદિનાથ ભગવાનની ભક્તિ માટે ગાતા હતા
સમય સાથે વૃદ્ધાવસ્થા આવી, ૬૦ વર્ષ વીતી ગયા , ૬૦ વર્ષ સુધી સતત સવારે-સાંજે અખંડ ભક્તિ કરતા રહ્યા, એક પણ દિવસ ખાલી જતો નહીં, અને એક પણ દિવસ ફુરસદથી ક્યાંય બહાર ગામ ગયા નહીં
એક દિવસ મૂળચંદજીની દીકરીઓ વડનગર, ગુજરાતથી તેમને લેવા આવી પિતાજી, આપ અમારાં સાથે ચાલો અને મૂળચંદજી રડી પડ્યા અને બોલ્યા, “હું આ ભગવાનને છોડી ક્યાંય નહીં જાઉં!”
દીકરીઓએ બધો સામાન બાંધી લીધો, અને તે પછી તેઓ જવા માટે તૈયાર થયા ત્યાં મૂળચંદજી ભગવાનની પાસે ગયા અને રડી રડી પ્રાર્થના કરવા લાગ્યા:
પ્રભુ! મેં તમારી ભક્તિમાં શું કમી રાખી, કે આજ સુધી તમારું અને મારું નાતું તોડી નાખવાનું કાર્ય થયું? ૬૦ વર્ષની અખંડ ભક્તિ એક પળમાં તૂટી જશે, એ કલ્પના પણ મેં કદી કરી નહોતી.
તેમના પગ ચાલતા નહોતા, કારણ કે વૃદ્ધાવસ્થા આવી ગઈ હતી, તે દેવસ્થાન (દેરાસર) માંથી બહાર નીકળ્યા, પગમાં થથરાટ થવા લાગ્યો, પાછા દેરાસર આવ્યા અને ફરી પ્રાર્થના કરી જ્યારે ફરી બહાર નીકળ્યા ત્યાં પગમાં ફરી થથરાટ થવા લાગ્યો તેઓ ફરી દેરાસર પાછા ગયા આમ તેઓ સાત વાર દેરાસરમાં ગયા અને પાછા આવ્યા જયારે આઠમી વખત તેઓ અંદર ગયા અને એટલું રડી પડ્યા કે મુખમાંથી અવાજ પણ નીકળતો નહોતો
હે પ્રભુ! અહીંથી તો મારું શરીર મરીને જ નીકળશે, અથવા તો હું આપની સાથે જ બહાર નીકળીશ હું એકલો નથી જઈ શકતો
૨૦ મિનિટ સુધી રડી રડી તેઓ ભગવાનને વિનંતી કરતા રહ્યા, પ્રભુ! સાથ આપો, હું નીકળી શકતો નથી તેમ કહેતાજ ભગવાનનો જમણો પગનો અંગૂઠો કુદરતી રીતે તૂટીને મૂળચંદજીના હાથે આવી ગયો મૂળચંદજી આ અંગૂઠાને જોઈ આનંદથી બોલ્યા, ભગવાન! તમે આવ્યા! અને અવાજ આવ્યો: હા! આ અંગૂઠામાં હું જ છું લઈ જ તું એને તારા સાથે.
પછી મૂળચંદજી વડનગર, ગુજરાત આવ્યા , અને ત્યાં નવા દેરાસરમાં આ અંગૂઠાની સ્થાપના કરી. તેઓ ત્યા પણ અખંડ ભક્તિ કરતા રહ્યા સવારના ત્રણ કલાક અને સાંજના ત્રણ કલાક
એક દિવસ વડનગર સંઘના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછ્યું, મૂળચંદજી, ભગવાનને છોડીને આ અંગૂઠા સાથે શું મિલન થશે?
ત્યારે સંઘ ફરી આગ્રહપૂર્વક પૂછે છે કે મૂળચંદજી આ અંગૂઠાનું શું મહત્વ છે?”
ત્યારે મૂળચંદજી ઉત્તર આપે છે:
जय जय आरती आदि जिणंदा , नाभिराया मरुदेवी को नंदा —–>
નાભિરાજા અને મરુદેવીના પુત્ર, હે… આદિનાથ પ્રભુ! તમારી આરતી જયવંત થાય!
पहली आरती पूजा कीजे, नरभव पामीने लाहो लीजे —–>
માનવ ભવ પામી, પ્રથમ આરતીથી પૂજા કરીને લાભ મેળવો
दुसरी आरती दीन दयाला, धुळेवा मंडपमां जग अजवाळा —–>
જેણે ધુલેવાં નગર (કેસરિયાજી) થી જગત પ્રકાશિત કર્યું છે, એવા હે… દિનદયાળ! આ તમારી બીજી આરતી છે
तीसरी आरती त्रिभुवन देवा, सुरनर इन्द्र करे तोरी सेवा —–>
દેવ, મનુષ્ય અને ઇન્દ્ર તમારી સેવા કરે છે! એવાં ત્રિભુવનના સ્વામી! આ ત્રીજી આરતી છે
चोथी आरती चउगति चुरे, मनवांछित फल शिवसुख पुरे —–>
ચાર ગતિઓનો નાશ કરીને મનવાંછિત ફળ—મોક્ષ સુખ આપનાર! આ ચોથી આરતી છે
पंचमी आरती पुन्य उपाया,, मूळचन्दे ऋषभ गुण गाया —–>
પાંચમી આરતી પુણ્ય પ્રાપ્તિનો ઉપાય છે, એમ મૂળચંદજીએ શ્રી ઋષભદેવના ગુણ ગાયા
આવાં મૂળચંદજી ભોજકે ભગવાનને પણ પોતાના સાથે લઈ આવ્યા! કેવી અતૂટ ભક્તિ! ધન્ય છે આપણું જિનશાસન!




